
આપણું જીવન લ્યો કે આપણા ખેતરમાં ઊભેલા પાકને લ્યો બન્ને માટે આંખ કાન ખુલ્લા રાખી નિર્ણયો લેવાના હોય છે આપણે કેવા છીએ ? શું છીએ ? શું પ્રગતિ કરી ? ખેતી કયાં લઈ ગયા ? મળેલી સફળતા કે નિષ્ફળતા બધામાં એક વાત મહત્વની છે અને તે છે આપણે લીધેલા નિર્ણયોનો સરવાળો. આપણું જીવન એટલે મે કેવા નિર્ણયો લીધા ? તે જ આપણું જીવન. છગને પાન માવાનું બંધાણ કર્યું અને મગને કૃષિ સ્નાતક થવાનો નિર્ણય કર્યો. ભગવાને આપણને સૌને આપેલી અનુપમ ભેટ ‘ફ્રીડમ ટુ ચુઝ’ પસંદગીની સ્વતંત્રતાની આઝાદીનો કોણે કેટલો લાભ લીધો ? તેના ઉપર આપણા આખા જીવનનો આધાર છે. આપણે લીધેલા નિર્ણયો આપણું જીવન ઘડે છે ત્યારે શેની પસંદગી કરવી તે આપણા હાથની વાત છે. આપણી આજુબાજુનું વાતાવરણ, કોને મળું છું, કોની સાથે દોસ્તી છે, કેવા લોકો સાથે મારો ધરોબો છે આ બધામાં ડગલેને પગલે પસંદગી આવે છે, હું મારો સમય કયાં પસાર કરું છું તે મારી પસંદગી બની જાય છે. આપણે ખેતીમાં વાવેલા છોડને પસંદગીની તક ભલે ઈશ્વરે આપી નથી પણ આપણે ખેતીને વધુ સારી કરવી હોય તો છોડની આસપાસના પર્યાવરણને જોવા આપણે આંખ કાન ખુલ્લા રાખી આંટો મારવાની કળા વિકસાવવી પડશે અને પ્રભુએ આપણને આપેલી પસંદગીની તકની ભેટ આપણા છોડ – પાકને આપવી પડશે.



