વિવિધ ખેતી પાકોમાં નુકસાન કરતી મોલો તેની જાતિ મુજબ જુદા જુદા રંગ (પીળી, કાળી, ઘાટા લીલાશ પડતી કાળી)ની હોય છે, જે યજમાન વનસ્પતિના કુમળા ભાગોમાંથી રસ ચૂસી નુકસાન કરે છે. ચોમાસાની ઋતુમાં ખાસ કરીને જુલાઈ-ઓગસ્ટ માસમાં જ્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળે ત્યારે મગફળીની કાળી મોલોનો ઉપદ્રવ વધતો જોવા મળે છે. વાદળછાયા વાતાવરણના દિવસોમાં હવામાં ભેજનું પ્રમાણ વધતા (લગભગ ૮૦ ટકા કરતાં વધુ) કપાસની પીળી મોલોનો ઉપદ્રવ એકાએક વધી જાય છે. શિયાળામાં ઠંડુ અને ભેજવાળુ વાતાવરણ થતા રાઈના પાકમાં મોલોનો ઉપદ્રવ એકદમ વધી જાય છે. આવું વાતાવરણ થતા આ જીવાતની સંખ્યા ટૂંકાગાળામાં વધી જાય છે.



