ભારત દેશમાંથી કુલ ૨૩,૬૬૦ નમૂનાઓ એકત્રીત કરવામાં આવેલ હતા તેમાંથી ૪૫૧૦ (૧૯.૧%) નમૂનાઓમાં જંતુનાશકના અવશેષો માલુમ પડેલ હતા જેમાંથી ૫૨૩ (૨.૨%) નમૂનાઓમાં અવશેષનું પ્રમાણ મહત્તમ અવશેષ મર્યાદા કરતાં વધુ જોવા મળેલ હતું. આ પરિણામ પરથી એક નિષ્કર્ષ એ કાઢી શકાય કે, જે તે પાક ઉપર રજીસ્ટર્ડ ન થયેલ હોય તેવા જંતુનાશકોનો છંટકાવ પણ કરવામાં આવે છે. આ પરિસ્થિતિથી ઉદ્ભવતાં અવશેષિક પ્રશ્નોનું અર્થઘટન મહતમ અવશેષ મર્યાદા (MRL) ના અભાવે કરી શકાતું નથી. હાલમાં, ભારત દેશે FSSAI દ્વારા કેટલાક જંતુનાશકોની જ મહત્તમ અવશેષ મર્યાદા નક્કી કરેલ છે અને જે પાક, જંતુનાશક માટે મહતમ અવશેષ મર્યાદા પ્રાપ્ત નથી તેવા સંજોગોમાં Codex ની ગાઇડ લાઇન મુજબ મહત્તમ અવશેષ મર્યાદાનો આધાર લેવામાં આવે છે અને જો FSSAI તેમજ Codex બન્નેમાં ન હોય તો મહત્તમ અવશેષ મર્યાદા ૦.૦૧ PPM (ડીફોલ્ટ MRL) ગણવી એવું હાલ વિચારણા હેઠળ છે. જંતુનાશક અવશેષોના પ્રશ્નો સૌથી વધારે શાકભાજી, મરી મસાલા તેમજ સૂકા લાલ મરચામાં જોવા મળે છે જે ચિંતાનો વિષય છે .



