ખારેક્માં નર હાથો કયારે ઉતારવો અને પરાગરજ કઈ રીતે એકત્રિત કરવી

નરનો હાથો પૂરેપૂરો ફાટ્યો ન હોય તો પણ કાપી લેવો જરૂરી છે (નહીં તો પરાગરજનો વ્યય થાય છે). નર હાથાની પરિપક્વતા ચકાસવા તેને અંગુઠા અને પહેલી આંગળી વચ્ચે દબાવતાં તેમાંથી ચર ચર અવાજ સાંભળવા મળે તો તે તેની પરિપક્વતા સુચવે છે. નરનો હાથો કાપ્યા બાદ તેનું ઉપરનું પડ દૂર કરવું અને હાથાને છાંયામાં મૂકવો (સીધા સૂર્ય પ્રકાશમાં નહી). જ્યારે નરનાં હાથાને છાંયામાં સુકવવામાં આવે ત્યારે તેને કાપડથી અથવા એગ્રીનેટથી સારી રીતે ઢાંકવા અથવા સાદી જાળી વાળી લાકડાની પેટીમાં મૂકવા જરૂરી છે જેથી મધમાખીઓને પરાગરજ લઈ જતાં અટકાવી શકાય છે. પરાગનયનની પ્રક્રિયા સામાન્ય રીતે માદા હાથાઓ ફાયા પછી ૨-૩ દિવસના ગાળામાં કરવી જરૂરી છે. પરાગનયનની ઘણી પદ્ધતિઓ છે તેમાંથી ચાર મુખ્ય છે જે નીચે પ્રમાણે છે : (અ) હાથથી પરાગનયન હાથથી પરાગનયનની પ્રક્રિયામાં તાજા નરની બે થી ત્રણ સાંકળોથી ફાટેલા માદા હાથા પર છંટકાવ કરી અને તે સાંકળોને માદા હાથામાં ઊંધી મૂકી દેવામાં આવે છે. ઘણાં ખેડૂત મિત્રો માદા ફૂલની સાંકળોને બાંધી દે જેથી મૂકવામાં આવેલ નરની સાંકળો માદા હાથાની અંદર જ રહે. (બ) કપાસની રૂઈ વડે પરાગનયન અગાઉથી એકત્ર કરેલ નરનો પાવડર જે બોટલમાં ભરેલ છે તેમાં કોટન પ્લગ (કપાસની રૂઈ)ને પાવડરમાં સ્પર્શ કરાવી માદાના હાથા પર કોટન પ્લગ સ્પર્શ કરવાથી પરાગનયન થઈ જાય છે. (ક) પ્રવાહી મિશ્રણનો ઉપયોગ કરવો પરાગરજને પાણી સાથે ભેળવી માદા હાથા પર છંટકાવ કરી શકાય છે. (ડ) યાંત્રિક પરાગનયન શ્રમિકોની અછત હોય તેવી સ્થિતીમાં વારંવાર ઝાડ પર ચડ્યા વગર ટ્રેક્ટર માઉન્ટેડ ડસ્ટરનો ઉપયોગ કરી ઓછા સમયમાં વધુ ઝાડમાં પરાગનયન કરી શકાય. આ ઉપરાંત ખારેક સંશોધન કેન્દ્ર દ્વારા ઓછા ખર્ચે તૈયાર થતું હેન્ડ પોલીનેટર વિકસવામાં આવેલ છે, જે ખેડૂત પોતાની રીતે સરળતાથી બનાવી શકે છે. આ પોલીનેટરને ખારેકના ફાટેલા માદાના હાથા નજીક રાખી પ્લાસ્ટિકની લાંબી પાઈપનાં એક છેડે મોઢા વડે ફૂંક યા બલ્બ દ્વારા પ્રેસરથી પાવડર બહાર ફૂંકાય છે. અસરકારક પરાગનયન માટે બે થી ત્રણ વાર ફૂંક/પ્રેસર મારવાથી ખારેકના એક હાથાને જરૂરી પરાગરજ મળી રહે છે.

Share this post: