વાવાઝોડું આવી રહ્યું છે એવા ખબર મળ્યેથી તાત્કાલિક ઉપાયો કેવા લેવાય ?

રહેણાક, ફરજા, કોઢ, મજૂર-ક્વાર્ટર, ગોડાઉન, મશીનરૂમ, વગેરેનાં નળિયાં,મોભિયાં, પતરાં નીચેથી પવન ભરાઇ, ઊડી ન જાય માટે નીચેની દીવાલ કે થાંભલાનો આધાર હોય ત્યાં ઉપર વજન મૂકી દેવું. ડેલાને સજ્જડરીતે બંધ કરી દેવો. વાડીપડાની અંદરનાં ઓઘા, ગંજી, કુંજવાં ભરી લેવાનો ગાળો હોય તો સમાઇ શકે તેટલાને કોઢ-વખારમાં ભરી દેવા. બાકીનાને જુદા જુદા ઠેકાણેથી ભેળાં કરી, તેનો વ્યવસ્થિત ઢગલો કરી પ્લાસ્ટિકથી ઢાંકી, ઉપર વજન મૂકી દેવું.. મકાન ઉપર કે વીજળીના તારથી નજીક નમી પડેલા અને કૂવા પર ઝળુંબી રહેલાં વૃક્ષોની ઘટામાંથી કેટલીક જુદી પડતી નોધારી ડાળીને કાપી લઈ વૃક્ષને થોડું હળવું કરી દઈએ. કોઇ પણ ખૂબ મૂલ્યવાન અને સાચવવા જેવું-સાત ખોટનું વૃક્ષ હોય તે કદાચ ભાંગી પડશે તેવી ભીતિ હોય તો તેની ઘટામાંથી પણ અમુક ડાળો કાપી લઈ હળવું કરી દઈએ ..કેટલાંક વૃક્ષોમાં ફળો ઉતારવા લાયક-તૈયાર થયાં હોય કે વીણી ચાલુ હોય તેવામાં જરા ભીંસીને, ઉતારી લઈએ . ફળઝાડોને મૂળ સમેત ઉખાડી ન મૂકે માટે પાણી આપવાનું ચાલુ હોય તો બંધ કરી દઈએ

Share this post: