
સૂકાચારામાં યુરિયા પ્રક્રિયા
આપણા પશુ-પોષણના તજજ્ઞોએ શોધી કાઢ્યું છે કે કમોદનું પરાળ, ઘઉંનું કુંવળ, બાજરીની કડબ જેવા કડક અને સરળ રીતે જાનવરના શરીરમાં નહીં પચતા ચારાને જો એમોનિયા વાયુના સંપર્કમાં રાખવામાં આવે તો લીગ્નીન અને પ્રોટીન જે એકબીજા સાથે જકડાયેલા છે તેની પકડ નબળી બને. આ પ્રક્રિયા કર્યા પછીનો ખોરાક જાનવરને ખવરાવવામાં આવે તો તેમાંનું 4 % પ્રોટીન સુપાચ્ય બની જાય છે. આ માટે યુરિયા ખાતર ની માવજત આપવી પડે.
ઘઉં કે ડાંગરનું પરાળ વજન 25 કિલો માટે પાણી 10 લિટર, અને યુરિયા 1 કિલો લેવાનું. પાણીમાં યુરિયા ઓગાળી પરાળ કે કૂંવળ ઉપર છાંટતા જવું અને થર પર થર કરતા જવું. બધું બરાબર ભેળવતા જવું. જથ્થો પૂરો થયે બધી બાજુથી હવાચુસ્ત પ્લાસ્ટિકથી ઢાંકી દેવું. 21 દિવસ સૂધી બરાબર પેક રીતે રાખી દેવું. ક્યાંયથી હવાની અવર-જવરની બીક રહેતી હોય તો ઉપર માટીનો થર કરી દેવો. 21 દિવસે એમોનિયા વાયુ, જે યુરિયામાંથી છૂટો પડે છે તેની અસર બરાબર રીતે ઘાસ ચારા પર થઈ જાય છે. પરાળ-કૂંવળ સહેજ લીલા રંગનું બની જાય છે. ખવરાવતા પહેલાં જરૂરી જથ્થો બહાર કાઢી ખુલ્લો રાખવાથી એમોનિયાની વાસ દૂર થઈ જશે. શરૂઆતમાં જાનવરને થોડું થોડું ખવરાવવાનું શરૂ કરવાથી [જરૂર જણાય તો થોડું મીઠું છાંટવું] ખાવાની આદત પડી જાય છે. પછી તો હોંશે હોંશે ખાય છે. આમ નબળા ઘાસચારાને પોષણમૂલ્યમાં વધારો કરી આપનારી આ પદ્ધત્તિ સારી છે .



