સોઈલ સોલારાઈઝેશન કયારે અને કેવી રીતે કરી શકાય ?

ઉનાળાની ઋતુ સોલારાઈઝેશન માટે ઉત્તમ સમય છે. એપ્રિલ, મે અને જૂન મહિનામાં જયારે ગરમીનું પ્રમાણ વધુ હોય અને ન્યૂનતમ પવન હોય ત્યારે સોલારાઈઝેશન કરવામાં આવે તો સચોટ પરિણામ મેળવી શકાય. ગુજરાતમાં ૧૫મી અપ્રિલ થી ૧૫મી જૂન સુધી ગરમીનું પ્રમાણ વધુ હોય છે આ સમયગાળો સોઈલ સોલારાઈઝેશન માટે ઉત્તમ સમય ગણી શકાય. આ સમયગાળા દરમિયાન જમીનને ખેડીને ભરભરી બનાવવી અને જમીનમાં પૂરતો ભેજ જળવાઈ રહે તેટલું પિયત આપવું. ત્યારબાદ તરત જ ધરૂવાડિયા કે ખેતરના કયારા પ્રમાણે ૨૫ માઈક્રોનની (૧૦૦ ગેઝની) એલ. એલ.ડી.પી.ઈ પારદર્શી પ્લાસ્ટિક શીટને જમીન પર પાથરી હવાચુસ્ત રહે એ માટે પ્લાસ્ટિકની ખુલ્લી ધારોને નાની ખાઈ બનાવીને જમીનમાં દાબી દેવી. જો ટપક સિંચાઈની વ્યવસ્થા હોય તો ટપકની લેટરલ લાઈનને પ્લાસ્ટિક પાથર્યા પહેલાં ગોઠવી દેવી. કૃમિ અને અન્ય જમીનજન્ય રોગોના અસરકારક નિયંત્રણ માટે પ્લાસ્ટિક શીટને ઓછામાં ઓછા ૧૫-૨૦ દિવસ સુધી જમીન પર પાથરેલી રાખવી. આ રીતે પ્લાસ્ટિકને હવા ચુસ્ત રાખવાથી જમીનમાં રહેલો ભેજ વરાળમાં રૂપાંતરિત થઈને પરપોટીઓ સ્વરૂપે પ્લાસ્ટીકની નીચેઅંદરની સપાટી પર જમા થશે જે જમીનનું તાપમાન ૧૦° સે. થી ૧૫° સે. વધારવામાં મદદરૂપ થશે. ૧૫ દિવસ પછી પ્લાસ્ટિકને કાળજીપૂર્વક કાઢી લેવું. સામાન્ય રીતે પ્લાસ્ટિક બે થી ત્રણ વખત સોલારાઈઝેશન માટે ઉપયોગમાં આવી શકે તેથી તેને સાફ કરીને બીજી જગ્યાએ મૂકી દેવું જેથી કરીને ફરી ઉપયોગમાં લઈ શકાય. ત્યારબાદ જે પાકનું ધરૂવાડિયું નાખવાનું હોય કે વાવણી કરવાની હોય તેની ભલામણ મુજબ જમીન તૈયાર કરી વાવણી કરવી.

Share this post: