
ખેતી પાકોના ઉત્પાદન વધારાની સાથે તેની ગુણવત્તા પણ જળવાઈ રહે તે માટે કેટલાક પાકોમાં સૂક્ષ્મ/ગૌણ તત્વોનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે. જે તે સૂક્ષ્મ તત્વની ઊણપ નિવારવા તેને જમીનમાં આપવા અથવા તો પાકમાં તે તત્વનો છંટકાવ કરવામાં આવે છે. સલ્ફર તત્વ એવું છે કે તેનો છંટકાવ કરવામાં આવતો નથી પરંતુ પાક વાવતાં પહેલાં તેને જમીનમાં આપવામાં આવે છે. ખાસ કરીને તેલીબિયાં અને કઠોળ પાકોમાં સલ્ફરની ઊણપ વર્તાય છે. જમીનમાં સલ્ફર (ર૦ કિલો/હે.) અથવા જીપ્સમ (૧૫૦-ર૦૦ કિલો/હે.) આપીને સલ્ફરની ઊણપ નિવારી શકાય છે. હજુ આજે પણ કેટલાક ખેડૂતો એવી માન્યતા ધરાવે છે કે પાકના ઉત્પાદનમાં વધારો થતો ન હોય તો સૂક્ષ્મ તત્વોનો ઉપયોગ કરવાની શી જરૂર છે ? તે યોગ્ય નથી. અગાઉ જણાવ્યા પ્રમાણે પાક ઉત્પાદન સાથે સારા બજારભાવ મેળવવા તેની ગુણવત્તા પણ એટલી જ જરૂરી છે. આજની ખેતીમાં સેન્દ્રિય ખાતરોનો ઉપયોગ દિવસે દિવસે ઘટતો જાય છે. તેની માત્રા જાળવી રાખવા પણ જમીનમાં સૂક્ષ્મ/ગૌણ તત્વોની પૂર્તિ જરૂરી છે.



