અમુક બીજ ૩ વરસ જૂના પણ ઉગી જાય, જ્યારે અમુક બીજે વરસેય ન ઉગે –એવું કેમ ?

કારણ કે દરેક પ્રકારના બીજની સ્ફૂરણશક્તિ એક સમાન નથી હોતી. જે તે પ્રકારના બીજમાં તે પોતે પરિપક્વ થયા પછી તેની જીવંત રહેવાની તાકાત કેટલી બળિયાવર છે તેના ઉપર આધાર હોય છે. દા.ત. તલ, મગ, વરિયાળી, જીરુ-ઘઉં, જુવાર-બાજરો, ગુવાર વગેરેને સડે કે બગડે નહીં તે રીતે સાચવી શકીએ તો બે ત્રણ વરસ સુધી એની સ્ફૂરણશક્તિને આંચ આવતી નથી. અરે ! રજકાના બીજને તો ઉપરથી પોણો દાયકો ભલેને પસાર થઈ જાય ! ઊગવા બાબતે એનો ઊજાગરો નહીં ! પણ ડુંગળી અને ગાજરને પાક્યા પછી જો ઉપરથી માત્ર નવ જ માસ વીતી ગયા ? વાત ગઈ ! ! એમ તો મગ, અડદ, મઠ, ચોળા, તુવેર-વાલની જેમ સોયાબીન પણ ગણાય કઠોળ જ ! બીજાં બધાંને બે-ત્રણ વરસ વાંધો નહીં, જ્યારે સોયાબીન સ્ફૂરણ બાબતે સાવ મુંઝાતલ ! પહેલે જ ચોમાસે વાવ્યું તો ઊગે બરાબર-સોએ સો ટકા ! પણ ઉપરથી એક ચોમાસુ ઉતરી, બીજે ચોમાસે જો વાવ્યું ? તો સોમાંથી એક પણ દાણો ન ઊગે. બીજ હંમેશા સુધારેલું અને નવું લેવાય મિત્રો .