સામાન્ય રીતે ઉનાળામા મોટા ભાગના પાકો ર૩°થી ર૫° સેન્ટીગ્રેડ ઉષ્ણતામાનમાં સારી રીતે ઊગી શકે છે. ઉનાળામાં વહેલી પાકતી જાતો જ વાવી શકાય નહીંતર કાપણી વખતે ચોમાસુ વરસાદ નડવાની શક્યતા રહે છે. જાન્યુઆરી માસમાં ઠંડી ઓછી થાય કે તુરત મગફ્ળીનું વાવેતર કરી દેવું જોઈએ જેથી કાપણી, ખળુ વિગેરે કામગીરી ચોમાસુ વરસાદ થાય તે પહેલા પૂર્ણ થઈ શકે એટલું જ નહીં પરંતુ, વહેલી પાકની જાતો ફક્ત ઉભડી પ્રકારની હોય છે અને આ પ્રકારમાં બીજ બીન સુષુપ્ત હોવાથી મોડું થાય તો ચોમાસાનો પ્રથમ વરસાદ થતાં મગફળી ઉગી જવાની બીક રહે છે એટલે કે, ઠંડી ઓછી થયે વાવેતર કરી દેવાની ભલામણ કરવામાં આવે છે. તે મુજબ સૌરાષ્ટ્ર વિસ્તારમાં જાન્યુઆરીના બીજા અઠવાડીયામાં, મધ્ય ગુજરાતમાં જાન્યુઆરીના ત્રીજા અઠવાડીયામાં, જયારે દક્ષિણ ગુજરાતમાં વધુ ઠંડી લંબાતી હોય ડીસેમ્બર થી માંડી જાન્યુઆરી ના બીજા અઠવાડીયા સુધીમાં મગફ્ળીનું વાવેતર કરી દેવું.



