
કપાસનું બીજ જો કોરામાં જ જમીનમાં પહોંચાડી દીધું હોય તો વરસાદ થયા ભેળું જ ઉગવા લાગી જાય, . કોરી જમીન પર વરસાદ પડે તો જમીનનું માથું બંધાતું નથી, તેથી બીજને ઉગી નીકળવામાં સરળતારહે અને ઉગાવાના ટકા પૂરતા મળે.. જ્યારે વરસાદ થયા પછી-ભીની જમીનમાં બીજ ચોપવાનાં થાય ત્યારે સરખું ચોપાણ ન થયું હોય તો જમીન વાહરી જાય અને ડૂલ પડવાની ભીતિ રહે. કોરી જમીનમાં કપાસિયા ચોપવાનું કામ, ભીનીની સરખામણીએ વધારે ઉકલે. .ભીનામાં ચોપણું તો જ્યાં સુધી જમીનમાં યોગ્ય વરાપ હોય ત્યાં સુધી જ કરી શકાય, મોડું થઈ જાય એટલે જમીન વાહરી જાય. મજૂરોની ખેંચના આ સમયમાં કોરામાં ચોપવાનું કામ તો ઘરઘરના થોડા જણ હોય તોયે નિરાંતવે કાળજી પૂર્વક કપાસિયા ચાસની ધારે ધારે મૂકી, કામ આટોપી નિરાંતનો દમ લઈ શકાય.. પણ આ પદ્ધતિમાં જોખમ પણ પૂરેપૂરું છે કે હવે જો વરસાદ અપૂરતો વરસે તો ? વાવેલ બીજ ઉગાવો તો લઈ લે, પણ ઉગીને પછી મરી જાય. એટલે કંઇક પરિસ્થિતિની, કંઇક કામની સરળતાની, અને કંઇક આગતર મોલ ઉછેરી દેવાની ગણતરીથી કોરામાં વાવણી સૌ ખેડૂતો કરી રહ્યા છે.



