ઘઉંના પાકની પાણીની જરૂરીયાત ઘઉંની જાત, જમીનના પ્રકાર અને હવામાન ઉપર આધાર રાખે છે. જેને ધ્યાને લેતાં ઘઉંના પાકને તેની કટોકટી અવસ્થાએ પાણીની ખેંચ ન પડે તેની કાળજી રાખવી ખૂબજ અનિવાર્ય છે.
કટોકટીની અવસ્થાઓ :
૧. મુકુટ મૂળાઅવસ્થા ( વાવણી બાદ 18 થી 21 દિવસ )
ર. ફૂટ અવસ્થા ( 35 થી 40 દિવસ )
૩. ગાભે આવવાની અવસ્થા (૫૦ થી ૫૫ દિવસ)
४. ફૂલ અવસ્થા (૬૫ થી ૭૦ દિવસ)
૫. દુધિયા દાણા અવસ્થા ( 75 થી 80 દિવસ )
૬. પોંક અવસ્થા ( 90 થી 95 દિવસ )
ઉપરોકત પિયતની કટોકટીની અવસ્થાઓ પૈકી કોઈ પણ એક અવસ્થાએ પિયત ચુકી જવાથી ઉત્પાદનમાં સાર્થક ઘટાડો થાય છે. દાણામાં પોટીયાપણું (સફેદ દાગ)નું પ્રમાણ ઘટાડવા અને ચળકાટ વધારવા માટે છેલ્લું પિયત પોંક અવસ્થાએ આપી દેવું. ત્યાર બાદ પિયત આપવુ નહિ.
ઉત્તર અને મધ્ય ગુજરાત ખેત આબોહવામાન વિસ્તારમાં ઘઉં જી.ડબલ્યુ-૧૭૩ જાતની વાવણી કરતા ખેડૂતોએ વાવણી પછીના ઉગાવા માટેના પિયતને બાદ કરતાં પાંચ પિયત આપવા. જેમાં પ્રથમ પિયત વાવણી બાદ ૧૮ દિવસના ગાળે, બીજું પિયત ૧૬ દિવસના ગાળે અને બાકીના ત્રણ પિયત ૧૧ થી ૧૨ દિવસના ગાળે આપવાથી મહત્તમ ઉત્પાદન તથા આર્થિક વળતર મેળવી શકાય છે.



