
છોડ પોટેશિયમ આયન (K*) તરીકે પોટેશિયમનું શોષણ કરે છે. પોટેશિયમ એ છોડમાં ખૂબ જ ગતિશીલ તત્વ છે અને છોડની નાની પેશીઓમાં (છોડમાં નીચેથી ઉપરના ભાગ તરફ) સ્થાનાંતરિત થાય છે. પરિણામે, પોટેશિયમની ઊણપના લક્ષણો સામાન્ય રીતે છોડના નીચેના પાન પર પ્રથમ જોવા મળે છે અને ઊણપની તીવ્રતા વધે તેમ પાનની ટોચ તરફ આગળ વધે છે. પોટેશિયમની ઊણપના સૌથી સામાન્ય ચિહ્નોમાં પાંદડા તેની કીનારીએથી પીળા (ક્લોરોસિસ) થવા લાગે છે. પોટેશિયમની ઊણપના ગંભીર કિસ્સાઓમાં, પાનની કીનારીનો બળી ગયેલો ભાગ પડી જાય છે. જો કે, સોયાબીન અને કપાસ જેવા પહોળા પાંદડાવાળા પાકમાં, આખું પાન ખરી શકે છે, પોટેશિયમની ઊણપ ધરાવતા પાકોનો વિકાસ ધીમી ગતિએ થાય છે અને તેના મૂળ પણ નબળા વિકસિત હોય છે. પાકમાં દાંડી નબળી રહે છે અને મકાઈ અને હલકાં ધાન્ય જેવા પાકો આડ પડી જાય છે. પોટેશિયમની ઊણપ ધરાવતા છોડના બીજ નાના, સૂકાઈ ગયેલા અને રોગો માટે વધુ સંવેદનશીલ હોય છે. ફળોમાં પણ ઘણીવાર સામાન્ય રંગનો અભાવ અને તેમાં શર્કરાનું પ્રમાણ ઓછું હોય છે.



