
પશુઓની રોજીંદી મુલાકાત
કહેવાનું એવું નથી કે દરેકે દરેક પાલતુ પ્રાણી પાસે રોજેરોજ જવું અને મળવું ફરજિયાત છે. પણ એટલું કહેવાનું તો જરૂર મન થાય કે દિવસ દરમ્યાન એકાદીવાર તો જાનવર સામું આપણી માલિક તરીકેની માયાળુ અને અભ્યાસુ દ્રષ્ટિ જવી જોઇએ. જેનાથી જાનવરની સાચી સ્થિતિનો ખ્યાલ આવે. દા.ત. કોઇ જાનવર થોડું સાજુ-માંદું હોય તો તેની રુંવાટી કાળોંઢી ગઇ હોય, કોઇ લૂલૂ-લંગડાતું હોય, કે કોઇના મોઢામાંથી લાળ પડતી હોય, કોઇ વળી નીરણ ન ખાતું હોય કે ન વાઘોલતું હોય અને અણોહરું થઇ એકબાજુ ઊભું હોય તો આપણી મુલાકાતમાં નજરે ચડી ગયા વિના રહેતું નથી. વળી કોઇ જાનવરની વિશિષ્ટ સ્થિતિ- જેમકે કોઇ વોડકું, ખડિયું, કે વેતરાઉ ગાય-ભેંશ હીટ-ગરમીમાં હોય, અરે ! કોઇ ગાય કે ભેંશ વિયાંવાની તૈયારી રૂપે શૂળાતી હોય એવા કિસ્સા પણ જો પશુઓની મુલાકાતનો સમય કાઢતા હોઇએ તો તરત નોંધ થઇ જાય અને એને અગ્રતાક્રમ આપી યોગ્ય સારવાર ટાણાહર કરાવી શકાય. આ સિવાય પણ માલઢોર ભૂખ્યા-તરસ્યા છે ? કોઇને તડકો લાગે છે ? ઠંડી લાગે છે ? તેની નીચે વધુ પડતું ભીનું છે ? વગેરે બાબતો-પરિસ્થિતિઓની ખરી જાણ કાંઇ પશુઓ પોતે કાગળ પર અરજી લખીને તો આપણને કરી શકવાના નથી ? એટલે રોજીંદી મુલાકાતથી આવી બધી પરચૂરણ વિગતો મળી જતી હોય છે. અને જરૂરી પગલા લેવાનું આસાન બની રહેતું હોય છે.



