
ઘનિષ્ઠ પાક પદ્ધતિમાં જમીનની ફળદ્રુપતા સુધારવા માટે અને ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે યોગ્ય પાકની ફેરબદલી કરવી અતિ આવશ્યક છે. ધાન્ય વર્ગના પાકોની કઠોળ વર્ગના પાકો સાથે ફેરબદલી કરવાથી સહજીવી રીતે હવામાંનો નાઈટ્રોજન જમીનમાં ઉમેરાવાથી જે તે કઠોળ પાક ઉપરાંત તેના પછી લેવાતા પાક/આંતરપાક કે મિશ્ર પાકને પણ તેનો ફાયદો મળે છે. કેટલાક કઠોળ વર્ગના પાકો જમીનનું ધોવાણ અટકાવે છે તથા તેના પાન, મૂળ, થડ જેવા પાકના અવશેષો જમીનમાં ઉમેરાવાથી સેન્દ્રિય પદાર્થોનો ઉમેરો કરે છે. યોગ્ય પાકની ફેરબદલી કરવાથી માત્ર જમીનના પોષકતત્ત્વોનો જ યોગ્યતમ ઉપયોગ થતો નથી, પરંતુ નિંદામણનું પણ અસરકારક રીતે નિયંત્રણ કરી શકાય છે તથા રોગ-જીવાતનો ઉપદ્રવ ઘટે છે. દા.ત.
૧. કપાસ, તુવેર જેવા પાકમાં જુવાર, બાજરી, મકાઈ જેવા આંતરપાક લેવાથી સુકારાનું પ્રમાણ ઘટે છે.
૨, દિવેલામાં સુકારાના નિયંત્રણ માટે મકાઈ અનેઘઉંના પાકની ફેરબદલી કરવી.
૩. મગફ્ળીમાં કૃમિ રોગના નિયંત્રણ માટે જુવાર, કપાસ અને મકાઈની ફેરબદલી અસરકારક છે.
૪. તલમાં સુકારાના નિયંત્રણ માટે ડુંગળી તથા ઘઉંના પાકની ફેરબદલી કરવી.
૫. કપાસ પછી મકાઈનું વાવેતર કરવાથી કપાસ અને મકાઈની જીવાતો અલગ-અલગ હોઈ જીવનચક્ર તૂટે છે.



