
બીજની વાવણી થયા પછી માપથી વધુ ઘાટા ઊગેલ છોડને વ્યવસ્થિત રીતે માપસરના અંતરે ઉભા રહેવા દઈ, વચ્ચેના વધારાના છોડ ખેંચી લેવાની કામગીરીને “પારવણી” કહેવામાં આવે છે.. બાજુ બાજુમાં જ, એકબીજાને અડી-અડીને છોડ ઊભેલા હોય તો પોષણ વગેરે મેળવવાની સ્પર્ધામાં હોય છે, પાતળા રહી જવા પામે એટલે પવનનો આંચકો આવતાં નમી પડે છે. અને ગીચતામાં વસનારાંને રોગ-જીવાંત વધુ લાગુ થઈ જાય છે, એટલે બધા છોડ માંદલાં અને માયકાંગલા બની જાય છે. પછી એવા છોડવાને ફાલ કેવોક આવે ? એવું ન થવા દેવા પારવણી કરવી પડે. દરેક પાક માટે બે ચાસ વચ્ચેનું અને બે છોડ વચ્ચેનું જાળવી રાખવું ઉપયોગી છે. એકરદીઠ જોઇતી છોડની સંખ્યા મળી રહે તેમ ગોઠવવું જોઈએ.



