
શ્રી ઉદય રાજા (૫૪ વર્ષ)એ મદુરાઈ ખાતે સમાજશાસ્ત્ર વિષય સાથે અનુસ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓએ થોડા વર્ષો માટે એરફોર્સમાં નોકરી કરી અને સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. તેમણે એક અનોખી નોટબુક વિકસાવી જેનો ઉપયોગ એક દિવસમાં છ વિષયોનું લેખન કરવા માટે થઈ શકે અને આમ કરવાથી એક વિદ્યાર્થી જે હાલમાં સાત-આઠ કિલોગ્રામ વજન લઈને શાળાએ જાય છે તેણે ફક્ત ૫૦૦ ગ્રામ કે તેથી પણ ઓછું વજન ઉંચકવું પડે.
તેમના પુત્ર (બી.યુ. પ્રણવનાથ)ને પણ શાળાના થેલાનો ખૂબ ભાર ઉંચકવો પડતો હતો. આ સમસ્યાનું નિવારણ લાવવા માટે તેમણે વિચારવાનું શરૂ કર્યું અને ચાર વર્ષમાં તેમણે કેટલાક મોડલ પણ બનાવ્યા અને પ્રમાણિત પણ કરાવ્યાં. તેમણે પોતાના આ ઈનોવેશન માટે પેટન્ટની અરજી પણ કરી.
આ નવા મોડલ નોટપેડમાં ચારથી છ સબ નોટ બુક્સ છે જેને મૂવેબલ આયર્ન ક્લિપ્સનો ઉપયોગ કરીને સરળતાથી જોડી શકાય તેમજ દૂર પણ કરી શકાય છે. નોટબુકના એક સેટની કિંમત લગભગ રૂ. ૧૫૦ કે તેથી પણ ઓછી છે ૧૨મા ધોરણ સુધી ભણતો વિદ્યાર્થી એક બેગમાં દરરોજ છ નોટબુક લઈ જઈ શકે છે. તેમણે પાનાનું કદ ઘટાડી દીધું છે અને તમામ છ નોટબુકને એક જ માસ્ટર નોટબુકમાં જોડી દીધી છે. વ્યક્તિ તેની જરૂરિયાત મુજબ કોઈપણ નોટબુક કાઢી શકે છે અથવા જોડી પણ શકે છે. તેમણે છ પુસ્તકો માટેના ૧૨ પૂઠાં(રેપર)ને બદલે ફક્ત બે પૂઠાં (રેપર) કરી દીધા જેનાથી વજનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વળી, વિદ્યાર્થી માટે નોટ બુકની ખરીદીનો ખર્ચ પણ ઘટાડે છે.



