વરિયાળીના પાક માટે ગોરાડુ, મધ્યમ કાળી કે ભાઠાની સારી નિતારશક્તિ ધરાવતી સેન્દ્રિયતત્ત્વનું પ્રમાણ વધારે હોય તેવી જમીન વધુ માફક આવે છે. કાળી જમીનમાં પણ યોગ્ય રીતે પાણીનું નિયમન કરવામાં આવે તો વરિયાળીનો પાક સફળતાપૂર્વક લઈ શકાય. ક્ષારિય કે ખરાબ નિતારશક્તિવાળી જમીન વરિયાળીના પાક માટે અનુકૂળ નથી. ઠંડી ઋતુનો પાક હોવાથી સૂકું અને ઠંડું હવામાન આ પાકને વધારે અનુકૂળ છે. તેથી ઉત્તર ભારતમાં વાવેતર વધુ પ્રમાણમાં થાય છે. લાંબી અને ઠંડી રાત્રિ ફૂલની શરૂઆતથી બીજના વિકાસ સુધી વધુ ફાયદાકારક છે. દાણાના વિકાસ સમયે વાદળવાળુ અને વધુ ભેજવાળું વાતાવરણ આ પાકને અનુકૂળ રહેતું નથી. કાપણી સમયે પાકને ગરમ હવામાન અને પૂરતા સૂર્યપ્રકાશની જરૂરિયાત રહે છે.
વરિયાળી એ ચોમાસું ૠતુમાં ફેરરોપણીથી ઉગાડવામાં આવતો રોકડિયો પાક છે. પરંતુ વાતાવરણીય બદલાવ અને વૈશ્વિક તાપમાનમાં થતા ફેરફારોનો હકારાત્મક ઉપયોગ થકી છેલ્લા થોડા વર્ષોથી ખેડૂતો મોટા વિસ્તારમાં વરિયાળી પાકને શિયાળુ પાક તરીકે અપનાવતા થયા છે.



