વાડી-ખેતરમાં આંટો શું કામ મારવો ?

ખેતરમાં આંટો શું કામ મારવો અને આંટો મારવામાં શું શું જોવું ?

ખેડૂતની વાડીના બધા સાથીદારો –પછી તે ગાય હોય કે બળદ,છોડ હોય કે ઝાડ,શેઢો હોય કે તળાવડી, મશીન હોય કે ટ્રેક્ટર-બધા નીરખવાની એક અનેરી રીત હોય છે, એક ખાસ ભાષા હોય છે. પાણી વિના લંઘાતો છોડ, રોગથી મરવા પડેલું ઝાડ, ભૂખી ગાય કે ફૂટી ગયેલી તળાવડીની પાળ, માલિકને પોકારી પોકારી જાણ કરી જ રહ્યા હોય છે. પણ તેનો અવાજ સાંભળવાની અને એ મૂજવણોને દૂર કરવા માટે ઉતાવળ રાખવાની આદત કેળવવી એ ધંધા સાથેની તાદાત્મતા માટે બહુ જ જરૂરી છે.

વાડીની અંદરના છોડ, ઝાડ, પ્રાણીઓ અને કૂવા-પાઇપ લાઇનથી માંડીને ઓઘા-પૂળા સુધીના તમામ સજીવ-નિર્જીવ-બધાજ અવયવો ઉપર એવી નજર કરવાની કે પાણીની ખેંચ અનુભવતો પાક નજરે ચડે કે લીક થઇ ગયેલ લાઇન ભાળી જવાય, શેઢાનો પાળો ફોળાઇ ગયેલો જણાય, શેઢે બોરડીનું ઝાળું વકરી ગયેલું દેખાય, કોઇ ફળવૃક્ષની ડાળી ફળના વજનથી તૂટી પડવાની તૈયારી કરતી ભળાય બાજરી, જુવારનાપાકો લણવા વાંકે બગડતા જણાય, કપાસ તરડીને તળાવ થઇ પિંખાતો નજરે ચડે, ઢોરાની ગમાણ તૂટી ગયેલી હોય, પાણીની હવાડી ખાલીખમ પડી હોય, કૂવા પરનું એંજીન ધુંવાડાના ગોટેગોટા કાઢતું હોય,સાંતીએ હાલતો જમણિયાળ બળદ લૂલો હાલતો હોય-એવા કૈંક વણકલ્પ્યા ફેરફાર આપણી નજર પકડી લે તો જ ખરો આંટો માર્યો ગણાય ને ?

Share this post: