
ઘણા વરસોથી એક જ જમીનમા દર વર્ષે મગફ્ળીનું વાવેતર કરવાથી જમીનજન્ય રોગો જેવા કે, ઉગસુક (કોલર રોટ), થડનો કોહવારો (સ્ટેમરોટ) વગેરેનું પ્રમાણ વધતુ જાય છે. જેના પરીણામે વાવેતર કરેલ વિસ્તારમાં છોડની સંખયા ઘટી જવાથી ઉત્પાદન ઓછું મળે છે. એટલા માટે આવા રોગોથી કુમળા છોડનું રક્ષણ કરવા માટે બીજને વાવતા પહેલા ૧ કિ.ગ્રા. બિયારણ દીઠ ૧ ગ્રામ ટેબુકોનાઝોલ અથવા ૫ ગ્રામ સ્યુડોમોનાસ ફ્યુરોસન્સ જેવી ફૂગનાશક દવાનો પટ આપી વાવેતર કરવું. આ ઉપરાંત૧ કિ.ગ્રા. બિયારણ દીઠ ૧૫ મીલી રાઈઝોબીયમ કલ્ચરની બીજ માવજત આપી વાવેતર કરવું. ધૈણના નિયંત્રણ માટે પ્રતિ ૧ કિ.ગ્રા.બીજ દીઠ ૨૦-૨૫ મીલી ક્લોરપાયરીફોસ ૨૦ઈસી અથવા કવીનાલફોસ ૨૫ ઈસી નો પટ આપી વાવેતર કરવું.બીજ માવજત કરવા સીડ ડ્રેસીંગ ડ્રમનો ઉપયોગ કરવો જોઈએ.
મધ્ય ગુજરાતમાં કલોરોથેલોનીલ દવાનું ૦.૦૩ ટકા દ્રાવણ બીજને છાંટવું. ખાસ કરીને જમીન નવી હોય અથવા ડાંગર પછીની પડતર હોય ત્યાં ગ્રેન્યુલેટેડ રાઈઝોબીયમ કલ્ચરની માવજત બીજને આપવી. સુકારા માટે ટેબુકોનાઝોલ ૦.૦૩ ટકાનું દ્રાવણ બીજને છાંટવુ અથવા થાયરમ કે કેપ્ટાન માંહેની એક દવા ૩ ગ્રામ મુજબ લઈ ૧ કિ.ગ્રા. બીજ દીઠ પટ આપવો.
ખાસ કરીને બીજ માવજત આપતી વખતે પ્રથમ ફુગનાશક ત્યારબાદ જંતુનાશક અને છેલ્લે રાઈઝોબેકટરીયા એટલે કે જૈવિક ખાતરનો પટ આપવો.



