
જમીનમાં યોગ્ય તરેહ બેઠેલ હોય તો જ વાવણી કરીએ.. કોરાભીના-બાકાસીયા ભીનામાં વાવણી કદિ ન કરવી.. વાવતી વખતે જમીનના ચાસમાં બીજ પડી જાય પછીથી તે ભીની માટીથી ઢંકાઇ જાય, તેના પર માપસરના દળે જ માટી પડે અને સહેજ દબાણ પણ મળી જાય, કે જેથી બધા બીજ ને પૂરતો ભેજ મળી રહે તેવું જોવું બીજની વાવણી કરી રહેલા દાંતાની પાછળ માત્ર માટી ઢાંકવા “વાંકિયાં” નહીં બાંધતાં-કંતાનની થેલીમાં થોડી માટી ભરીને અગર બોરડીના તીરખા પર થોડી ભીની માટી દાબીને ચાસની ઉપર દબાણ આવે તેવું ગોઠવીએ, જેથી બીજને ધરતી સાથે ચોટી જઈ, અંકુર અને મૂળ ફૂટાડવાની અનુકૂળતા પૂરેપૂરી ઉભી થાય. . ચાસ પૂરા ખુલે નહિ ને બીજ ઉપર માટી પૂરી ઢકાય નહી એવી વધુ ભીની જમીનમાં વાવણી કરવી નહિ.તલ-બાજરી જેવા બારીક બીજ વધુ ઊંડા ન જાય અને વવાયા પછી તે ચાસ વધુ પડતા ઉંડા રહેવા ન જોઈએ. નહિ તો ક્યારેક માથે વરસાદ વરસી જતા-માટી સુકાયે જાડો-કઠ્ઠણ પોપડો બની જશે તો નાનાં બીજ ઊગી શકશે નહિ. ટ્રેક્ટરથી વાવણી કરવાની હોયતો એકદમ સારી વરાપ થયેજ કરવાથી જમીન ટોરાશે નહિ,અને બીજ પૂરેપૂરો ઉગાવો લેશે.



