
સમગ્ર સૂર્યમંડળમાં વાતાવરણની મહામૂલી ભેટ ફક્ત આપણી પૃથ્વીને જ મળેલી છે. વનસ્પતિ જીવન અને માનવજીવનને અનુકૂળ એવું વાતાવરણ પણ તેને મળ્યું છે. તેથી જીવસૃષ્ટિનું પૃથ્વી ઉપર નિર્માણ શક્ય બન્યું છે. પૃથ્વીની સપાટી ઉપરનું હવાનું આવરણ એ વાયુઓ, વરાળ અને સૂક્ષ્મ રજકણોના મિશ્રણનું બનેલું સ્તર આવેલું છે. એનું નીચેનું સ્તર ઘટ્ટ અને પરિવર્તનશીલ છે. જ્યારે ઉપરના સ્તરોની હવા એકદમ પાતળી છે અને તેમાં હવાની કોઈ ખાસ હલચલ કે હેરફેર થતી નથી. પૃથ્વીની સપાટી ઉપર નજીકનાં વાતાવરણમાં તાપમાન, દબાણ, પવન, ભેજ અને વરસાદની પરિસ્થિતિ સમય અને ઋતુ સાથે બદલાતી રહે છે. કોઈ એક ટૂંકા ગાળા કે લાંબા ગાળા માટે વિશિષ્ટ વાતાવરણીય પરિસ્થિતિનું નિર્માણ થાય છે. કોઈ પણ સ્થળે વાતાવરણની આ ટૂંકા ગાળાની વિશિષ્ટ ભૌતિક પરિસ્થિતિને હવામાન કહેવાય છે.



