
તમે નિરીક્ષણ કર્યું હશે કે જુવાર, બાજરો, મકાઇ, ગલગોટા જેવા છોડવાને વડલાની જેમ તેના થડમાં જમીન નજદીકની નીચલી ગાંઠોમાંથી વડવાઇઓ નીકળતી હોય છે.પણ તે ઉંચે ને ઉંચે ટીંગાઇ રહી સુકાઇ જતી હોય છે. આપણે તેવા પાકોને ચાસે વાવેતર કરી તેના થડિયા ફરતે જરા વધારે ઊંચે સુધી માટી ચડે તેવા પાળા ચડાવી દીધા હોય તો તે ગાંઠોમાંથી નીકળતી વડવાઇઓને જમીનમાં પ્રવેશ કરવાનો મોકો ઊભો થશે, અને વધારાના રસ-ખેંચાણનો લાભ ઉત્પાદનમાં ચોક્કસ મળવાનો જ ! એવું જ દૂધી, તૂતિયાં, ગલકાં, ટીંડોરાં, કાકડી, કારેલાં જેવાં વેલાવાળા પાકોમાં પણ જોશો કે વેલાની ગાંઠોમાંથી પાતળાં મૂળો ફૂટતાં હોય છે.પણ વેલો પવન-પાણીથી આડો-અવળો થતો રહેતો હોઇ, તે મૂળિયાં જમીનમાં પ્રવેશી શકતાં નથી. પરંતુ જો ગાંઠો પર પાણતિયા દ્વારા પાવડોભરી માટીની ઢગલીઓ કરાવતા થઈ જઈએ, તો પોષણ ચૂસી વેલાને મોકલવા માંડે છે, અને વેલો વધુ ઉત્પાદન આપવા શક્તિમાન બને છે.



