દૂધીના વેલાની ડૂંખ કાપવાથી ઉત્પાદન વધુ મળે ?

દૂધીના વેલાની ડૂંખ કાપવાથી

હા, વાત સાવ સાચી છે. પણ બરાબર જાણી એ પ્રમાણે અમલ કરો એટલે પરિણામ સો ટકા મળશે જ. વધારે દૂધી મેળવવાના કીમિયાની વાત કરીએ તો- દૂધીના વેલાની લંબાઇ પાંચ-સાત ફૂટ થાય એટલે તેની ડુંખ [માથું] કાપી લેવું . વેલો આગળ વધતો અટકશે. પાંદડાની બગલમાંથી નવી શાખાઓ ફૂટશે અને વધવા માંડશે. તેમાં શરૂઆતના ત્રણથી પાંચ પાંદની બગલમાં માદાફૂલો ખીલશે.અને પછી જેવા નરફૂલો ખીલવાના શરૂ થઇ જાય એટલે બે કે ત્રણ નરફૂલ ઉઘડે ત્યાં સુધી વેલાને ચાલુ રહેવા દઇ, પછીથી દરેક શાખાઓની ડુંખો કાપી લેવી. આથી નકરા નર ફૂલો આપતા વેલા આગળ વધતા અટકી જશે અને પરિણામ એ આવશે કે દરેક શાખાઓ પરની બધી ગાંઠો માંથી એકેક ‘પ્રશાખા’ ફૂટી નીકળશે અને તે દરેકને શરૂઆતના ત્રણ-ચાર કે પાંચ પાનની બગલમાંથી માદા ફૂલો-એટલે કે દૂધી મળશે.આમ વેલાને બિનજરૂરી વાનસ્પતિક વિકાસમાંથી બચાવી લેવા-કહોને વેલાનો લંબાઇ વિસ્તાર ખોટો ખોટો વધવા ન દેતાં, જોઇ-તપાસી ડુંખો કાપ્યા કરવાથી નવી શાખાઓ મળ્યા કરશે અને નવી શાખાઓમાં શરૂ શરૂમાં દૂધી લાગ્યા કરશે. આમ દૂધીનું અઢળક ઉત્પાદન મેળવી શકાય છે .

Share this post: