મરચાં અને કોબીજની વીણી ક્યારે કરશો? : કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી

મરચાં અને કોબીજની વીણી ક્યારે કરશો ? તે જણાવતા સર્વશ્રી ડૉ. ધીરૂભાઈ એમ. કોરાટ. નિવૃત્ત કૃષિ વૈજ્ઞાનિક, ૪, રાજવી પાર્ક, વિદ્યા ડેરી સામે, આણંદ.

મરચીની ફેરરોપણી બાદ લગભગ ૪૫ થી ૫૦ દિવસે ફૂલ આવે છે અને ત્યાર બાદ ૨૦ થી ૨૫ દિવસે એટલે કે, ફેરરોપણીના ૬૫ થી ૭૦ દિવસ બાદ લીલા મરચાની વીણી શરૂ થાય છે. લીલા મરચા માટે ૧૫ થી ૨૦ દિવસના સમયાંતરે વીણી કરવી કે જેથી લીલા મરચાનો જરૂરી વિકાસ અને વૃદ્ધિ થાય. વીણી વખતે ડીંટા સાથે મરચાં તોડવાથી લીલા મરચાનો જાળવણી સમય (સેલ્ફ લાઇફ) વધારી શકાય છે.

લાલ મરચાનું ઉત્પાદન લેવા પ્રથમ ચાર વીણી લીલા મરચાની કરવી. ત્યારબાદ મરચાનો ફાલ છોડ પર જ રહેવા દેવો. જેમ-જેમ મરચાં લાલ થાય તે લાલ મરચા વીણીને સિમેન્ટના પાકા ભોંયતળિયાવાળી જગ્યાએ કે સ્વચ્છ ખળામાં છૂટાછવાયા સૂકવવા. ઋતુ દરમ્યાન લાલ મરચાની ૨ થી ૫ વીણી કરી શકાય છે. ક્રોબીજના દડા પૂર્ણ રીતે વિકસિત થાય, એટલે તરત જ કાપણી કરવી. દડા યોગ્ય કદના થાય અને હાથથી દબાવતાં કઠણ લાગે તેવા કુમળા દડા ઉતારવા મોડી કાપણી કરવાથી દડા ફાટી જાય છે. શક્ય હોય ત્યાં કોબીજની કાપણી બપોર બાદ કરવી કે જેથી દડા લાંબો સમય સુધી તાજા રહે. દડા ઉતારવામાં વિલંબ કરવામાં આવે તો દડા ફાટી જવાની સંભાવના રહે છે.

Share this post: