
સામાન્ય રીતે લાંબાગાળાના ખેતીપાકો માટે નાઈટ્રોજનયુક્ત રાસાયણિક ખાતર જે તે પાકની વાવણી/રોપણી વખતે (પાયામાં) અને ઊભા પાકમાં (પૂર્તિ ખાતર તરીકે) અમુક સમયના ગાળો આપવામાં આવે છે. મગફળી અને મગ, મઠ તથા અડદ જેવા કઠોળ પાકોમાં પૂર્તિ ખાતર આપવાની ભલામણ નથી જેના કારણે આવા લેગ્યુમીનેશી ફળના પાકોના મૂળ પર રાઈઝોબીયમની ગાંઠો હોય છે. જે હવામાંનો નાઈટ્રોજન શોષીને પાકને પુરો પાડે છે. તેમ છતાં આજની તારીખે અમુક ખેડૂતો એવા જોવા મળે છે કે, મગફળી, મગ, મઠ, અડદના ઊભા પાકમાં પૂર્તિ ખાતર તરીકે યુરિયાનો છૂટા હાથથી ઉપયોગ કરે છે. આમ, કરતા પાકનો વાનસ્પતિક વિકાસ વધારે થાય છે. તેના પર શિંગો/ડોડવા/ફાલ મોડો અને ઓછો બેસે છે. વધુમાં તે રોગ-જીવાત સામે વધુ ગ્રાહ્ય બને છે. તેથી પાક સંરક્ષણનાં પગલાં લેવાની જરૂરિયાત ઊભી થાય છે. પૂર્તિ ખાતર આપતી વખતે જમીનમાં પુરતો ભેજ હોવો જરૂરી છે.



