
વરસાદ પૂરો થયે ઝાડવા પરથી મોટા લીંબુ બધા ઉતારી લેવા અને પિયત આપવાનું સદંતર બંધ કરવું. જેથી પાન પાકી જઇ ખરવા માંડશે. જમીન ભેજ ન છોડતી હોય તો તંતુમૂળ તૂટે એવો ઊંડો ગૉડ આપી જમીનમાં ભેજ છોડાવવો. પાંદ બધા ભલે ખરી ન જાય પણ સાવ પાકોટી જાય ત્યાં સુધી પાણી દેવાની ઉતાવળ ન કરવી. દરમ્યાન સૂકી અને રોગિષ્ટ ડાળીઓ કાપી લઇ દૂર કરવી. કાપની જગ્યાએ બોર્ડોપેસ્ટ લગાડવું. અને પહોંચ મુજબ બોનમીલ, રાખ, વર્મીકંપોસ્ટ અને દિવેલી-લીંબોળી ખોળ તથા કોહવાયેલું ગળતિયું ખાતર ખામણામાં પાથરી ભેળવી રાખવા. ઝાડ પૂર્ણ આરામમાં ગયા પછી પાણી આપીએ એટલે નવી ફૂટ જે નીકળશે તેમાં પાંદડાં થોડાં અને ફૂલો વધુ ખીલેલા ભળાશે ! વધુ ફૂલો લાવવા 10 પીપી એમ ટુફોરડી અને 1 ટકા યુરિયાનો પાંદ પર છંટકાવ કરી જોવો .] નવેમ્બરની શરૂઆતથી આખર સુધી જે ફૂલો ખીલશે તે ઉનાળાની ખરી ગરમીમાં લીંબુને પરિપક્વ બનાવશે, જે માર્કેટમાં સારામાં સારા ભાવે વેચાશે અને ખેડૂતને ઠીક ઠીક નાણાં રળી આપશે.



