ખેતર ઉભેલો કપાસ અને મગફળી શું વાત કરે છે તે સાંભળો

સીમ કરે ટહુકો : પ્રકાશ  – હર્ષદ દવે

વરસાદ નથી ત્યારે ખેતર ઉભેલો કપાસ અને મગફળી શું વાત કરે છે તે સાંભળો : કપાસ પછીની હારથી શરૂ થતી મગફળીનો એક છોડ કપાસને કહે તમારે તો હજુ સારું છે કે તમને જમીનમાં રહેલા વ્હાઈટ ગ્રબ-મુંડા અથવાતો સફેદ ધૈણ નથી આવ્યા. આ વર્ષે કેવું વાતાવરણ રહ્યું ખબર નહિ. અમારા મગફળીના મૂળ-પોપટા વધુ ખાય જાય તેવા જમીન જન્ય સફેદ કીડાએ તો ભારે કરી છે ? મગફળીની પેદાશ પણ ઓછી થાશે , આટલી વાત ચાલે છે ત્યાં ખેતરની જમીનને પણ થયું કે લાવને કપાસ અને મગફળી બન્ને ને કહું કે અમારી જમીનની શું સ્થિતિ છે. જમીન એટલે કે ધરતીમાતા મીઠા મધુરા અવાજે કહે કે સાંભળો મગફળી બેન અને કપાસ ભાઈ છેલ્લા કેટલાક વર્ષોથી જમીનમાં સત્વ અને રસ કસ બધા ચાલ્યા ગયા છે. બધાને રાસાયણિક ખાતરો અને જમીનમાં થતા કીડા માટે જંતુનાશક દવાઓ રેડવી છે. આ બધુ તો ઠીક સેન્દ્રીય તત્વોનું ઉમેરણ કરવું નથી , કાર્બન વધારવાની તો ખબરજ નથી , ઉપયોગી સૂક્ષ્મ જીવો વધારવાનું તો સૌ ભૂલી ગયા છે .બાપદાદાએ આપેલી પાડાના કાધ જેવી જમીનમાથી બસ લીધા કરવું છે પણ પુરણ કરવું નથી, બોલો , ગાયો રાખવી નથી, ટ્રેકટર જેવા ભારે ખમ સાધનો ચલાવીને જમીનને દબાવી દેવી છે. જમીનને કેળવવાની વાત સાવ બધા ભૂલી ગયા છે. જમીનમા ઉપયોગી બેકટેરીયા બધા ખતમ થઈ ગયા અને આ સફેદમૂંડા, નેમેટોડ, તળકીડી, ફુગ એટલું બધું વકરી ગયું છે આમાં ક્યાંથી ઉત્પાદન મળશે ? ! એમાંય પાછો વરસાદ નથી ?