
ખેતીપાકનું નિદાન
આવા વખતે જો આપણી જાણમાં કોઇ સાચી સલાહ આપે તેવા જાણકાર ખેડૂત હોય તો તેને વાડીએ બોલાવી, પાકની બીમારી નજરોનજર દેખાડી એનો શો ઉપાય કરવો તેની વિગત મેળવીએ. અને નહીં તો તાલુકા કે જિલ્લાના ખેતી વિસ્તરણ વિભાગો, કૃષિ યુની.ના સંશોધન કેંદ્રો, કૃષિ વિજ્ઞાન કેંદ્રના વિષય નિષ્ણાતોની ટીમ કોઇ પણ જાતનો ચાર્જ લીધા વિના જરૂરી માર્ગદર્શન આપવા ખડેપગે તૈયાર હોય છે. આપણે તેનો લાભ લેવાનું ગોઠવવું પડે. આજે એવા કેટલાય કૃષિ વિષયક સલાહકેંદ્રોના ટેલીફોનના ફ્રી નંબરો ઉપલબ્ધ છે. અરે ! હવે તો દરેક પાસે મોબાઇલ ફોનની સુવિધા પણ ઉપલબ્ધ છે ત્યારે આંટો મારતાં નજરે ચડેલ તકલીફવાળા છોડ-ઝાડની બીમારીનું વર્ણન કરવું, અને જરૂર જણાય ફોટા પાડીને પણ તેને મોકલી શકાય.
અરે ! જીવંત નમૂના લઈને રૂબરૂ જવું પડે તો જઈને પણ તેની સલાહ લેવાય .રોગ-જીવાત અંગેનું નિદાન તો નિષ્ણાત પાસે જ કરાવાય, અને એણે ચીંધેલા પોષકતત્વો, હોર્મોંસ કે રોગ-કીટકની દવા એગ્રોમાંથી લાવી, તજજ્ઞશ્રીએ સૂચવેલા પ્રમાણ અને કહેલ રીત પ્રમાણે ઉપયોગમાં લેવાય. તો ઓછા ખર્ચે અને ઓછી મહેનતે પાકને નરવ્યો કરી શકાય.



