
ટ્રેકટરમાં એન્જીનની સામે જ એર ક્લીનર હોય છે જે એન્જિનનાં નાક સમાન છે. એરક્લિનરમાંથી હવા સાફ થઈને એન્જિનમાં જાય છે, પરંતુ એર ક્લિનરમાંથી એન્જિનમાં જતી હવા ધૂળ, માટીનાં કણો સાથે જાય તો તેનાથી એન્જિનની અંદરના ભાગો જેવા કે લાઈનર, પિસ્ટનને તે એમરીની માફ્ક ઘસી નાખે છે, જેનાથી એન્જિનમાં ઓછો લોડ પેદા થાય છે અને ટ્રેક્ટરની કાર્યક્ષમતા ઓછી થઈ જાય છે. ઉપરાંત એન્જિન જલ્દી મરામત માંગે છે અને બિનજરૂરી ખર્ચ પણ વધે છે. આ માટે ટ્રેક્ટરને ૮ થી ૧૦ કલાક ચલાવ્યા બાદ પ્રિ- ક્લિનર સાફ કરવું. કટોરીમાં ઓઈલના લેવલની તપાસ કરી તેને યોગ્ય માર્ક સુધી ઓઈલથી ભરી લેવું અથવા તેમાં ઓઈલ ગંદુ થયું હોય તો બદલાવી નાખવું. ૭૦ ક્લાક ટ્રેક્ટરને ચલાવ્યા બાદ તેનું ઓઈલ બદલી નાખવું હિતાવહ છે. આ ઉપરાંત જ્યારે પડલિંગ હેતુથી ટ્રેક્ટર ચલાવવામાં આવે ત્યારે કાદવ-કીચડ તેમજ ભેજથી એર ક્લિનરમાં પાણી આવી જતુ હોય છે. આવી પરિસ્થિતિમાં ટ્રેક્ટરને ૮ થી ૧૦ કલાક ચલાવ્યા બાદ સંપૂર્ણ એરક્લિનરનું તેલ બદલાવી નાખવું જરૂરી છે.



