
પાક લણણી બાદ ખેતર પર વધતો પાકના ડાળખા, પાન અને બીજા કાર્બનિક પદાર્થોને જમીનમાં પાછા મિશ્ર કરવાથી જમીનમાં કાર્બનિક અને પોષક તત્ત્વો ઉમેરીને પોષક તત્ત્વોની ઉણપને અટકાવી શકાય છે. આમ, ખેતર પર વધતા કચરાના નિકાલ માટે ત્રણ મુખ્ય વિકલ્પો જેવા કે બીજે ખસેડી લેવું, બાળી નાખવું અથવા જમીનમાં પાછુ વાળી દેવાની પદ્ધતિ ખેડૂતો અપનાવતા હોય છે. પાકના કચરાને બાળી નાખતા તેમાંથી કાર્બનિક પદાર્થો ઉડી જાય છે અને સાથે હવામાં પ્રદૂષણ પણ ફેલાય છે. લીલો પડવાશ પણ એક એવી પદ્ધતિ છે જે પિયતની વ્યવસ્થા અને પાક લેવાની વ્યવસ્થાને ધ્યાનમાં રાખી અપનાવી શકાય. લીલો પડવાશમાં લીધેલ છોડના મૂળીયા ખૂબ જ ઊંડે સુધી જઈ જમીનમાં નીચલા સ્તરના પોષક તત્ત્વોને ઉપલા સ્તરમાં લાવી તેની લભ્યતામાં વધારો કરે છે. ક્ષારીય, ભાસ્મિક અથવા અમ્લીય જમીનો માટે પણ લીલો પડવાશ કરવાથી તે જમીનની બગડેલી સ્થિતિને સુધારે છે અને તેને ખેતીલાયક બનાવી શકાય છે.-



