પશુને આપણા પ્રત્યે ભાવ જગાડવા કેવા તરીકા અજમાવાય ?

પશુને આપણા પ્રત્યે ભાવ

આપણને કોઇ સગા-સ્નેહી મળે અને જે આનંદ થાય તેની સરખામણીમાં પશુઓ તરફથી મળતો નિર્વ્યાજ પ્રેમાનંદ અનેકગણો બળુકો હોય છે. અને એની પ્રતિતિ તો પશુઓ સાથેનો પ્રેમભર્યો પ્રત્યક્ષ વ્યવહાર જ કરાવી શકે ! તમે બરાબરની ઝીણી નજરે નિરખજો ! જ્યાં ખેડૂત અને ખેતી ઉપયોગી પાલતુ પ્રાણીઓ અરસપરસના સ્નેહપાશમાં બંધાયેલા હશે ત્યાં તેની ખેતીધંધાની ભાત્ય જુદી પડ્યા વિના રહેશે નહીં ! ઉત્તમ તરીકો છે જાનવરને બુચકારીને પાસે બોલાવવું. માલિક અને પાલતુ જાનવરની ચાર આંખ્ય ભેળી થયા ભેળું જાનવરતો ઇચ્છતું જ હોય છે કે માલિક ક્યારે મને બોલાવે ! આપણે તેને ગાય-ભેંશ હોય તો ‘શ્યામલી’, ‘સરિતા’, ‘ટીલી’, ‘ભગર’, ‘કુંઢી’, કે બળદ હોય તો ‘જાડિયો’, ‘ભીલો’ ‘જીવરો’ જેવા જે નામે વારંવાર બોલાવવાની જે ટેવ પાડી હોય તે નામ દઇ, , મોઢે-માથે હાથ ફેરવી પાસે બોલાવવું જોઇએ. આમ કરવાથી તેની ખાસ વિશિષ્ટ અદાથી તેનો રાજીપો વ્યક્ત કરવા આપણા હાથ-પગ ચાટવા લાગે કે આપણી સાથે તેનું મોં કે શરીર ઘસવા લાગી જાય છે અને ક્યારેક તો રીતસર આપણી સાથે વાતો કરતું હોય તેમ ખુશાલીના અવાજો કરવા લાગી જતું હોય છે.આ હદયભીના પ્રેમનું વર્ણન નહીં અનુભૂતિ જ થઈ શકે ભાઇ !

Share this post: