
પશુને દાદર – ખસ-ખરજવું થાય ત્યારે સતત શરીરને ઝાડ કે ગમાણ સાથે ઘસે છે, પશુનો સ્વભાવ ચીડીયો થઈ જાય છે, ઘણી વખત વધારે પડતું ઘસવાથી શરીર ઉપર જખમ થઈ જાય છે, ચામડી બરછટ પણ થઈ જાય છે અને પશુ બેચેની અનુભવે છે. આવી સમસ્યા ઉદભવે ત્યારે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના રંગપુર ગામના ભવાનજી હરસજી ઠાકોર કાચાં પપૈયાનું દુધ અને લીમડાના પાણીનો ઉપયોગ કરે છે. ખેડૂતના અનુભવ મુજબ, કાચાં પપૈયાનું દૂધ થોડા દિવસ સવાર-સાંજ લગાવવાથી દાદર – ખસ- ખરજવામાં રાહત થાય છે. આ ઉપરાંત અન્ય પદ્ધતિમાં લીમડાનાં લીલા પાન અને ડાળીને પાણીમંા ધીમા તાપે ઉકાળવામાં આવે છે. આ ઉકાળેલું પાણી ઠંડુ પડે ત્યારે એક અઠવાડીયા સુધી દરરોજ લગાવવાથી દાદર- ખસ-ખરજવું મટી જાય છે. આ બન્ને પદ્ધતિ ભવાનજીભાઈ તેમના ગુરુ પાસેથી શીખ્યા છે. હાલમાં પણ આ પ્રયોગ કરે છે અને બીજા લોકોને પણ મદદ કરે છે.



