ગુજરાતની મગફ્ળી કે જે, સારી ગુણવત્તા જેવી કે સ્વાદ, સુગંધ તથા લાંબા સમય માટે સંગ્રહ કરી શકાય તેવી હોય તે દુનિયામાં સૌથી વધુ પ્રખ્યાત થયેલ છે. પરંતુ, છેલ્લા થોડા સમયથી એસ્પરજીલસ ફ્લેવસ તથા એસ્પરજીલસ પેરાસીટીકસ જેવી ફૂગથી ઉત્પન્ન થયેલ અફ્લાટોસીન નામનાં ઝેરી તત્ત્વોની અસરથી આંતરરાષ્ટ્રીય બજારોમાં આપણી મગફ્ળીની માંગ ઘટી ગઈ છે.
અફ્લાટોકસીન એક પ્રકારનું માયોટોકસીન છે જે એસ્પરજીલસ ફ્લેવસ તથા એસ્પરજીલસ પેરાસીટીકસ નામની ફૂગથી ઉત્પન્ન થતું ઝેર છે. આ બંને ફૂગના ચેપથી મગફ્ળીના ડોડવા અને દાણામાં એક પ્રકારનું ઝેરી તત્વ ઉત્પન્ન થાય છે, જેને અફ્લાટોક્સીન કેહવામાં આવે છે. મગફ્ળીની નિકાસમાં આ અફ્લાટોકસીન એક મહત્ત્વનું અડચણરૂપ પરિબળ છે. મગફ્ળીમાં જુદા જુદા ૧૩ પ્રકારનાં અફ્લાટોકસીનમાંનું B-1 જે મનુષ્ય માટે સૌથી વધારે નુકસાનકારક છે.
મગફળી ઉગાડતા ખેડૂતો કીટક અને રોગથી થતી નુકસાની જાણે છે, પણ અફ્લાટોકસીનની સમસ્યાથી અજાણ છે કારણ કે, આ પ્રકારનું નુકસાન આંખે દેખી શકાય તેવું નથી.



