માલિકે જાનવરને હાથલો કરવાની શું જરૂર હોય છે ?

જાનવરને હાથલો કરવાની શું જરૂર

જાનવર જ્યારે આપણને ચાટવા અને આપણી સાથે એનું ડીલ ઘસવા લાગે ત્યારે આપણે તેને મોઢે, માથે, ડોકે, શરીરે હાથ ફેરવી પંપાળવું જોઇએ. વળી ક્યારેક ક્યારેક આ માટે ખાસ સમય કાઢી ગાય, ભેંશ, બળદ કે અશ્વ જેવા પ્રાણીઓને હાથમાં “હાથલો” [ હાથના પંજાઉપર પહેરી શકાય તેવી કાથીની ગુંથેલી થેલી] પહેરી, થોડું દબાણ આપીને એના શરીર માથે ઘસવો જોઇએ.જેથી એના શરીરમાં લોહીનું પરિભ્રમણ વધે છે . અરે ! આપણા પ્રત્યે એની પ્રેમની લાગણી બંધાય છે. અને તેના શરીર ઉપરથી કેટલોક મેલ દૂર થાય અને માંદી રુંવાટી ખરી પડે. તેના શરીરે ચોટેલા લોહી ચૂસનારા જીવાણું ખરી પડે.

ક્યારેક હાથલાના દબાણથી આવી જીવાતો દૂર ન થાય તો હાથથી વીણી લેવી જોઇએ . બગાઇ એ એક એવું ઉડતું ફરતું જીવડું છે કે જે ખાસ કરીને ગાય, બળદ, કુતરું, ઘોડા વગેરેની ચામડીમાં ચાંચ ખુંચાડી-ચટકો ભરી લોહી ચૂસ્યા કરે છે. રાતના લાઇટના અજવાળામાં તેને આંજી દઈ, પકડી લઈ, તેના ત્રાસમાંથી મુક્તિ અપાવવી જોઇએ. હવે તો એવી દવા શોધાઇ ગઈ છે કે જાનવરની પીઠ પર તેની લીટી દોરી દેવાથી કે દવાના ટીપાંની ધાર દોરી દેવા માત્રથી આખા શરીર પરથી આવો અસો દૂર થઈ જાય છે, જરૂર પડ્યે એનો ઉપયોગ પણ કરી શકીએ.વિદેશમાં તો ઇલેક્ટ્રીકથી ચાલતા બ્રશ હોય છે પશુ જાતેજ હાથલો કરી લે બોલો.

Share this post: