શું ખેતી શહેરમાં રહીને કરી શકાય ?

ખેતી શહેરમાં રહીને કરી શકાય

ખેતી શહેરમાં રહીને પણ કરાય તો ખરી, પણ એ સાંઢિયે ચડીને છાણાં વિણવાં જેવું ગણાય ! જો આનંદથી અને સંતોષી જીવન જીવવું હોય તો ખેતી ગામડાંમાં રહીને જ કરાય. કારણ કે ખેતી એ વ્યવસાય જ ગામડાંનો છે. શહેર અને ગામડું બન્નેની રહેણી કરણી તથા બન્નેનાં સંસ્કૃતિ અને માનસ થોડાં અલગ અલગ છે. તમે જુઓ ! ગામડાંમાં જ રહેતા હોઇએ એટલે આખા ગામનાં કુટુંબોને, જણ જણને ઓળખતા હોઇએ છીએ. બધાનાં સુખ-દુ;ખમાં ભળતા હોઇએ છીએ અને વખતો વખતની લાગણીઓ-વ્યવહારો પ્રદર્શિત કરતા હોઇએ છીએ. કહોને એકબીજા માટે ઉપયોગી થવાની, ઘસાઇ છૂટવાની એક અણકહી પરિપાટી જ ગામડાની હવામાં મહેકે છે. શહેરોમાં સંકડાશ, ઘોંઘાટ, પ્રદુષણ અને માપબારી દોડધામ. ભલે કમાણી થોડી વધારે થતી હશે એની ના નથી. પણ જીવન બહુ સાંકડું સ્વકેંદ્રિત થઈ જાય છે. ખેતી કરનારો ખેડુત ગામડામાં રહી, પ્રમાણમાં શાંતિપૂર્ણ વાતાવરણ, મર્યાદિત જરૂરિયાતો અને વધુ પડતી દોડધામ વિનાના તથા સાદગીભર્યા જીવન સાથે કાંડાના બળે પ્રામાણિક રોટલો મેળવી કેવું મર્દાનગીભર્યું જીવન જીવી શકાય છે એનો અનુભવ અમારી જેમ ઘણા જાગૃત ખેડુતોને થઈ રહ્યો હશે.

Share this post: