ખેતીમાં વરસાદ

વાતાવરણમાં નીચેની સપાટીની ભેજવાળી હવા સૂર્યની ગરમીને લઈ ગરમ થતાં પાતળી અને હલકી બને છે. આ પાતળી અને હલકી હવા ઊંચે ચડે છે. હવામાં ઉપર જઈએ તેમ તાપમાન અને દબાણ ઘટતું હોઈ વરાળ ઠારણબિંદુ તાપમાને વાદળમાં ફેરવાય છે. જો આ વાદળ ફરી ઉપર ગતિ કરે ત્યારે પાણીના મોટા બિંદુમાં પરિવર્તિત થાય છે. જે પાણીના બિંદુઓ વજનમાં ભારે થતાં જમીન કે સપાટી ઉપર પાણીના બિંદુ સ્વરૂપે નીચે પડે છે તેને વરસાદ કહેવામાં આવે છે. આ વરસાદનું પ્રમાણ દરેક સ્થળ કે પ્રદેશમાં અલગ અલગ હોય છે. જુદા જુદા વરસાદના આંકડાઓના અભ્યાસથી માલૂમ પડેલ છે કે તેનું પ્રમાણ, તીવ્રતા અને વહેંચણી, સમય અને સ્થળ પ્રમાણે અલગ અલગ હોય છે. વરસાદની આ વિવિધતાને કારણે દરેક પ્રદેશનું હવામાન અને આબોહવા અલગ અલગ હોય છે. સફળ પાક અને વધારે ખેત ઉત્પાદન માટે ખાસ કરીને ચોમાસુ ઋતુમાં વરસાદનું પ્રમાણ અને તેની વહેંચણી એ ખાસ મહત્ત્વનું પરિબળ છે.

Tags

Share this post: