આજની ખેતીમાં ખર્ચ ઘટે અને આવક વધે એવું કેવી રીતે થાય ?

ખેતીમાં ખર્ચ

એકલાં રાસાયણિક ખાતરો આડેધડ ધબેડ્યે રાખીએ છીએ તે બંધ કરીએ કારણ કે જમીનની ફળદૃપતા-જીવન્તતા અને ઉત્પાદકતા એના હિસાબે ઘટી રહી છે. ”વધુ પાણી એમ વધુ ઉત્પાદન” રૂપી ખ્યાલનાં હિસાબે ઉપલા તળનાં મીઠાં પાણી ચૂસી લીધા પછી ઊંડેના નબળાં અને ખરાબ પાણી પવાયા પછી મોલાતો પિયતનો પ્રતિસાદ દેખાડતી જ બંધ થઈ ગઈ છે.અને ખર્ચ વધી રહ્યો છે. જીવાતોને “ભાળો ત્યાં ઠાર કરો” ની નીતિ અપનાવી, ખર્ચાઓનો પાર રહેતો નથી. ઉપજમાં કંઇ વળતું નથી. અને ઝેરી રસાયણોની મદદથી પકાવેલ માલ અને ખાદ્ય સામગ્રી ખાવાથી તંદુરસ્તી જોખમાવાનો ભય સર્વત્ર વ્યાપવા લાગ્યો છે જો ઓછા ખર્ચે કાયમ સારું અને વધુ ઉત્પાદન લેવું છે ? તો, આધુનિક પ્રકારની કોઈ વિશિષ્ટ ખેતી પદ્ધતિ અપનાવવી જ પડશે મિત્રો !

ભલેને લોકો એને “સજીવ ખેતી, ઓરગેનીક ખેતી, ઋષિ ખેતી, પર્યાવરણીય ખેતી, પ્રાકૃતિક ખેતી કે ગાય આધારિત ખેતી જેવા જુદાજુદા નામે સંબોધાય રહ્યા હોય ! પણ એ દરેકનું ધ્યેય બસ એક જ છે કે જળ-જમીન અને પર્યાવરણની સાચવણીની સાથોસાથ ખેતીમાંથી મળી રહેલું ઉત્પાદન આ નુકશાનકારક રસાયણો અને પેટીસાઈડઝની માઠી અસરમાંથી મુક્ત હોય જેથી ઉપભોક્તાના સ્વાસ્થ્યને પણ લાભકારી બની રહે એવું થતાપોતાની બ્રાન્ડ બનાવીને વેચીને ભાવ પણ વધારે મળે એટલે આવક વધે !

Share this post: