
જીરૂમાં પિયત ટૂંકા અને અર્ધસૂકા વિસ્તારમાં પિયત ખૂબ જ મોંઘું સંશાધન હોવાથી તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો હિતાવહ છે. અસંતુલિત માત્રા અને પ્રમાણ વિના આડેધડ પિયત પાકને નિષ્ફળ બનાવે છે. તેથી પાકની વૃધ્ધિ જમીનના પ્રત અને વાતાવરણને ધ્યાને રાખી પિયત વ્યવસ્થા અપનાવવી જરૂરી છે.
જીરૂના પાકમાં પ્રથમ પિયત વાવણી બાદ તુરત જ આપવું. જીરૂનો ઉગાવો ૧૧ થી ૧૨ દિવસે થતો હોવાથી સારા ઉગાવા માટે બીજું પિયત જમીનની પ્રત પ્રમાણે ૮ થી ૧૦ દિવસે સમયસર આપવું. શરૂઆતના બે પિયત હળવા આપવા. ત્રીજુ પિયત નિંદામણ કર્યા બાદ ૩૦ દિવસે આપવું અને ચોથું પિયત ૫૦ દિવસે આપવું. સારા ઉત્પાદન માટે હલકી જમીનમાં પાંચમું પિયત ૬૫-૭૦ દિવસે આપવું જરૂરી છે.
વાદળછાયું અને ભેજવાળું વાતાવરણ હોય તેમજ ઝાકળ પડતું હોય અથવા ચરમીનો રોગનાં ચિહ્નો દેખાય તો પિયત આપવાનું ટાળવું.
જીરૂના પાકમાં ત્રીજા અને ચોથા પિયત બાદ આંતરખેડ કરવાથી નિંદામણ નિયંત્રણ સાથે એક પિયતનો બચાવ કરી શકાય છે, જેની ઉત્પાદન અને ગુણવત્તા ઉપર કોઈ ખરાબ અસર થતી નથી. પિયતની સગવડ પોતાની હોય તો ચોથુ પિયત એકાંતરે કયારા પિયત પદ્ધતિથી આપવાથી ઝાકળ પડવાનું પ્રમાણ ઘટાડી શકાય છે.



