
ઘાબાજરીયું બહુવર્ષાયુ ઘાસ વર્ગનું નીંદણ છે, તેના છોડ ૧.૫-૨ મીટર ઊંચા હોય છે. પાન અને થડ ઊભા હોય છે. પાન લાંબા, ઘાટાં, ૫-૧૨ મી.મી. પહોળા અને મધ્યશીરા રહિત હોય છે. તેનું ડુંડુ બિલાડીની પૂંછડી જેવું હોય છે. તેનું પ્રસર્જન વાનસ્પતિક તેમજ સૂક્ષ્મ બીજથી થાય છે. એક ડુંડામાં ૧૦,૦૦૦ થી ૨૦,૦૦૦ બીજ હોય છે, જે લાંબી સુષુપ્ત અવસ્થા ધરાવે છે. મુખ્યત્વે કાદવ-કીચડવાળા તેમજ પાણી ભરાઈ રહેતું હોય તેવા વિસ્તારમાં તેમજ નહેર, ધોરીયા-પાળા, પિયત તથા નિતારની નીકોના કાંઠે જોવા મળે છે.
નિયંત્રણ માટે ઉનાળામાં નહેર, ખેત તલાવડી, જળાશયો, વગેરેમાંથી પાણીનો નિતાર કરી સૂકવવી. રાસાયણિક નિયંત્રણ માટે ડાલાપોન ૨% ફાવણનો છંટકાવ કરવો. ડાલાપોન ૧૫ કિ.ગ્રા. + એમીટ્રોલ ૩ કિ.ગ્રા. અથવા એમીટ્રોલ ૩ કિ.ગ્રા. + ટીસીએ ૧૦ કિ.ગ્રા. પ્રતિ હેક્ટર છંટકાવ કરવો. ધોરીયા-પાળા, નિતાર નીકો પર નીંદણ ઊગ્યા પહેલાં સીમાઝીન, ડાયરોન, ગ્યાયફોસેટ કે પેરાક્વોટનો છંટકાવ કરવો.
સાભાર ડો. આર.કે. માથુકીયા



