
જૈવિક ખાતરો એ સૂક્ષ્મજીવાણુઓનો સમૂહ છે, કે જે બીજને (પટ)/ જમીનમાં આપી અથવા બંને સાથે આપી જમીનમાં પોષકતત્વોની પ્રાપ્ય સ્થિતિમાં વધારો કરે છે. જૈવિક ખાતરો રાસાયણિક ખાતરોના પુરક તરીકેનો ભાગ ભજવે છે. જુદા-જુદા જૈવિક ખાતરોમાં રાઈઝોબિયમ, અઝોટોબેકટર, અઝોસ્પાઈરીલમ, ફોસ્ફોબેકટેરીયા, પોટાશ કલ્ચર ઉપર ઘનિષ્ઠ સંશોધન થયેલ છે. હવામાંથી નાઈટ્રોજન સ્થિર કરતા અથવા ફોસ્ફરસ તથા પોટાશને લભ્ય બનાવતી વિશિષ્ટ શક્તિ ધરાવતી સૂક્ષ્મજીવાણુઓની પ્રજાતિઓને અલગ તારવી, તેની પ્રયોગશાળામાં મોટા પાયે વૃદ્ધિ કરી વેચવામાં આવે છે. જેમાં પ્રતિ મિલિલિટર દસ કરોડ જીવંત અથવા સુષુપ્ત અવસ્થામાં સૂક્ષ્મજીવાણુઓ રહેલા હોય છે. આવા જૈવિક ખાતરોનો યોગ્ય રીતે ઉપયોગ- કરવામાં આવે તો રાસાયણિક ખાતરની બચત થઈ શકે છે.



