
એક હેકટર ધાણાના વાવેતર માટે ૧૫-૨૦ કિગ્રા બિયારણની જરૂર પડે છે. વાવતાં પહેલાં આખા ધાણાને ધીમા દબાણથી બે ભાગ (ફાડિયા)કરવાથી બીજની જરૂરિયાત ઘટે છે. ધાણાના બિયારણને ૮ થી ૧૦ કલાક પાણીમાં પલાળી ત્યારબાદ છાંયામાં સૂકવીને વાવણી કરવાથી ઉગાવો સારો અને ઝડપી થાય છે. જમીનજન્ય અને બીજજન્ય રોગના નિયંત્રણ માટે ૧ કિલો બિયારણ દીઠ ૩ ગ્રામ થાયરમનો પટ આપી વાવવા માટે ઉપયોગ કરવો.
પિયત ધાણાની વાવણી નવેમ્બરના પ્રથમ કે બીજા અઠવાડિયામાં કરવી વધુ અનુકૂળ છે. જે સમયે દિવસનું મહત્તમ ઉષ્ણતામાન ૩૦સે.મી. આજુબાજુ હોવું જરુરી છે. ધાણાની વાવણી જમીનની પ્રત પ્રમાણે બે હાર વચ્ચે ૩૦ સે.મી. અંતરે કરવાની ભલામણ છે. કયારામાં વાવણી બાદ ૩૦ દિવસે હારમાં બે છોડ વચ્ચે ૧૦ થી ૧૫ સે.મી. અંતર રહે તે પ્રમાણે પારવણી કરવી.



