ગુજરાતમાં મુખ્યત્વે નીચે મુજબના કૃમિઓ ખેતી પાકોમાં નુકસાન કરતા જોવા મળે છે.
(૧) ગંઠવા કૃમિ : કૃમિ લાગેલ છોડને મૂળ સાથે જમીનમાંથી ઉપાડી મૂળ જોતાં તેના પર નાની-મોટી અસંખ્ય ગાંઠો જોવા મળે છે.
(૨) કિડની આકારના કૃમિ : આ કૃમિના ઉપદ્રવથી છોડ ઠીંગણા તથા પાન પીળા રહે, આવા છોડ ઉપાડી કાળજીપૂર્વક મૂળ ધોયા પછી પણ કૃમિ લાગેલી જગ્યાએ માટીના રજકણો ચોંટી રહેલા જોવા મળે છે.
(2) મૂળની ખાખર કૃમિ : મૂળના છેડા આગળ રસ સ્થૂળવાને કારણે મૂળના છેડેથી વૃદ્ધિ અટકી જાઇ, ત્યાંથી સમસંખ્ય તંતુમૂળ ગુચ્છામાં ફૂટી નીકળે છે.
(૪) મૂળ પર ચાંદા પાડનાર કૃમિ : આ કૃમિ મૂળની અંદર દાખલ થઇ એક જગ્યાએ નુકસાન કરી મૂળની અંદર આગળ વધતા રહે છે. કૃમિ જ્યાંથી રસ ચૂસે છે. તે કોષોમાં કૃમિ દ્વારા દાખલ કરેલ રસાયણો અને મૂળના કોષોના રસ સાથે રાસાયણિક પ્રક્રિયાના કારણે મૂળની બહારની બાજુએ લાલ ચાંદા (ડાઘા) પડે છે. જે સમય જતા મૂળની બહારની સપાટી પર કાળા ડાઘા અથવા ચાંદામાં ફેરવાય છે. જ્યાંથી મૂળનો કોહવારો શરૂ થાય છે અને છોડની વૃદ્ધિ અટકવાની શરૂઆત થાય છે.
ઉપરોક્ત બધા કૃમિઓમાં ગંઠવા કૃમિ લગભગ બધા જ પાકોમાં (વિવિધ શાકભાજી, કઠોળ, તેલીબિયા, બાગાયતી, મરી-મસાલા, ઔષધિય પાકો વગેરેમાં) અને દરેક વિસ્તારમાં તેમજ અન્ય કૃમિ કરતાં વધુ નુકસાન કરે છે. બેસર-ગોરાડું પ્રકારની જમીન આ કૃમિને વધુ માફક આવતી હોઈ, આવી જમીનમાં લેવાતા પાકોમાં સૌથી વધુ નુકસાન જોવા મળે છે


