
શેરડીની જાતોની પસંદગીમાં વધુ ઉત્પાદનની સાથે સારી રીકવરી, રોગ-જીવાત સામે ટકી રહેવાની શક્તિ, પાકની પાછલી અવસ્થામાં ફૂલ ન આવવા, દુષ્કાળ સામે ટકી શકે તેવી, ઢળી પડતી ન હોય તેવી, લામ પાક માટે અનુકૂળ અને ખેતરમાં લાંબા સમય માટે ટકી રહે તે ખાસ જરૂરી છે. વહેલી રોપણી માટે જાતો જેવી કે, કો. એન. ૦૭૦૭૨ (ગુજરાત નવસારી સુગરકેન-૮), કો.એન. ૦૯૦૭૨ (ગુજરાત નવસારી સુગરકેન-૯) તથા કો. એન. ૦૫૦૭૧ (ગુજરાત સુગરકેન-૫) તેમજ બિયારણ અને પાકની સારી માવજત કરી શકે તેવા ખેડૂતો કો. સી. ૬૭૧ અને કો. ૮૬૦૩૨ની વાવણી પણ કરી શકે. જ્યારે મધ્યમ મોડી વાવણી માટે જાતો જેવી કે કો.એન. ૯૧૧૩૨ (ગુજરાત સુગરકેન-૧), કો. એન. ૦૫૦૭૨ (ગુજરાત સુગરકેન-૬), કો. એન. ૦૪૧૩૧ (જી. એન. એસ.૭), કો. એન. ૧૩૦૭૩ (ગુજરાત નવસારી સુગરકેન-૧૦), કો. એન. ૧૩૦૭૨ (ગુજરાત નવસારી સુગરકેન-૧૧) અનુકૂળ છે. આ ઉપરાંત સુગર ફેક્ટરીના સભાસદોમાં કો. એમ. ૦૨૬૫, કો. ૯૯૦૦૪, કો. ૦૯૦૦૪, કો. ૦૨૩૮ તથા કલોન ૯૮૫૧૧૭ વગેરે જાતોની પસંદગી કરવામાં આવે છે.



