મકાઈ : મકાઈની ખેતી પદ્ધતિ

જમીન : ગોરાડુ થી મધ્યમ કાળી જમીન પસંદ કરવી. વરસાદી પાણી ભરાઈ ન રહે અને નિતારશક્તિ સારી હોવી જોઈએ.

જમીનની તૈયારી : ઉનાળામાં ૧ હેક્ટરે સારું કોહવાયેલું ૫ ટન છાણિયું ખાતર જમીનમાં નાખી જમીન ખેડીને તૈયાર કરવી જોઈએ.

વાવણી સમય : ૧૫ જૂન થી ૧૫ જૂલાઈ સુધી વાવેતર કરવું. વહેલું વાવેતર કરવાથી રોગ-જીવાતનું પ્રમાણ ઓછુ આવે છે અને ઉત્પાદન વધુ મળે છે.

બિયારણનો દર : હેક્ટરે ૨૦ કિલો બિયારણની જરૂરિયાત રહે છે.

મકાઈની ખેતી માં કાળજી : ૧ કિલો બીજ માટે ૫ મિ.લિ. બાયો એનપીકે કોન્સોરટીયમ (પ્રવાહી જૈવિક ખાતર)નો પટ આપી છાંયડે સૂકવીને વાવેતર કરવું જોઈએ.

વાવણી અંતર : બે ચાસ વચ્ચે બે ફૂટનો ગાળો અને એક લાઈનમાં બે છોડ વચ્ચે એક વેંત (૨૦ સેન્ટીમીટર) અંતર રાખીને થાણીને વાવેતર કરવું જોઈએ. જેથી એકમ વિસ્તારમાં પૂરતા છોડની સંખ્યા મળી રહે.